કોરોના કાળમાં બાળકોનું રક્ષણ અને બાળકોનું શિક્ષણ

Join Whatsapp Group Join Now

કોરોના કાળમાં બાળકોનું રક્ષણ અને બાળકોનું શિક્ષણ



https://project303.blogspot.com/2021/06/corona-shixan-padhdjati.html



*'Learning to Live '*

જીવવા માટેનું શિક્ષણ. કોઈપણ પરિસ્થિતિમાં પોતાનું જીવન કેવી રીતે ટકાવી રાખવું તે માટેના શિક્ષણના પાઠ જે તે પરિસ્થિતિ શીખવી શકે તેવું કોઈ શીખવી શકે નહીં..


તમે જ્યારે પ્રાથમિક શાળામાં ભણતા હશો ત્યારે એક દિવસ શાળાએ નહીં ગયા હો અથવા એક પિરિયડ લેટ થયા હશો અને તમે ગુરુજીના ઠપકાના ભોગ બન્યા હશો. તમે શિક્ષક હશો તો સતત સાત દિવસ ગેરહાજર રહેનાર બાળકના વાલીને નોટિસ આપી હશે. સતત ગેરહાજર અને બિ.ફ.- બિનફરજીયાત હોવાથી નામ કમીનો શેરો લાલપેનથી બાળકના હાજરી પત્રકમાં માર્યો હશે. શું કરીએ સાહેબ ! બાળકો ખૂબ અનિયમિત છે, માટે તેમને નથી આવડતું આવી ફરિયાદ કરી હશે અથવા સાંભળી હશે. ધોરણ એકથી આઠની પરીક્ષાઓ નીકળી જવાથી બાળકો ખૂબ કાચા રહી જાય છે, તેવી ફરિયાદો કરી હશે અથવા સાંભળી હશે. બાળકોની અનિયમિતતાના કારણે શિક્ષણની ગુણવત્તાનો સિદ્ધિ આંક નીચે રહ્યો છે, તેવી વાતો સાંભળી હશે. અને તેના માટે સંશોધન, કઠિન મુદ્દાઓ, D અને E ગ્રેડની શાળાઓ માટે શું કરી શકાય તેના ઉપાયોની વાતો સાંભળી હશે. 

આ બધું છેલ્લા સોળ માસથી ઠપ થઈને પડ્યું છે, કેટલાયે મિત્રો શાળાઓ ખુલવાની રાહ જોવામાંને જોવામાં નિવૃત્ત પણ થઈ ગયા છે.

*છેલ્લા સોળ માસથી બાળકો શાળામાં આવતા નથી છતાં કોઈ બાળકનું નામ કમી થયું નથી, કોઈ બાળક નાપાસ થયું નથી, કોઈ બાળકના વાલીને કોઈ નોટિસ આપવામાં આવી નથી.                                    આ સમય દરમિયાન બાળકો ઘરે બેસીને કેટલું શીખ્યા તેનો અભ્યાસ કરશો તો બાળકો આ સમય દરમિયાન જીવન ઉપયોગી ઘણું શીખ્યા છે, પોતાના વાલીઓને મદદરૂપ થયા છે, પોતાના સાથી મિત્રો સાથે ઘણી વિસરાઈ ગયેલી રમતો રમ્યા છે, પોતાના મમ્મી પપ્પાનો પુષ્કળ પ્રેમ પામ્યા છે. આપત્તિના સમયે શું કાળજી લેવી, કેવી રીતે અન્ય લોકોને મદદ કરી શકાય તેના માનવતાના પાઠો શીખ્યા છે. આવું તો ઘણું ના માપી શકાય તેવું શીખ્યા છે.*

*કુદરત સૌથી મોટો શિક્ષક અને વ્યવસ્થાપક છે.* કોરોના જેવી બિમારીઓ, તૌકતે જેવા વાવાઝોડા, સુનામી જેવી ઘટનાઓ, ભૂકંપ, પૂર જેવી પરિસ્થિતિ બાળકોને ઘણું બધું શીખવે છે.

*ઘણી ચિંતન શિબિરો થઈ છે, આપત્તિ સમયની કાળજી લેવાની તાલીમો પણ થઈ છે. કોરોનાની પરિસ્થિતિમાં આ બધું ક્યાંય કામે લાગ્યું નથી. આ પરિસ્થિતિમાં બાળકોનું આખા વર્ષનું શિક્ષણ ન બગડે તે માટેનું ગહન ચિંતન કરીએ તો જરૂર રસ્તો મળી જાય.* 

થોડા મહિના પહેલાં એક ગામમાં જવાનું થયું, એક સિત્તેર વર્ષના નિવૃત્ત શિક્ષક મળ્યા તેમણે એક વાત કરી કે  "અમારા ગામમાં ત્રણ શિક્ષકની શાળા છે, શાળામાં ઓરડા ઘણા છે, વિશાળ મેદાન છે, મેદાનમાં લીમડાનો છાંયડો પણ સરસ છે, તો અમારા ગામના એક શિક્ષિકા બેન શેરીમાં બાળકોને કેમ  ભણાવતા હશે ?,  મેં શિક્ષિકાબેનને પૂછ્યું કે નિશાળમાં બેન ભણાવતા હોય તો ? શિક્ષિકાબેને કીધું 'શાળામાં બાળકોને બોલાવવાના નથી તેવો પરિપત્ર છે, શાળામાં ભણાવીએ તો નોટિસ મળે છે, પણ બાળકોનું ભવિષ્ય ના બગડે તે માટે  શેરીમાં ભણાવું છું.'

*શેરીમાં ભણાવે તો  પ્રશંસાપત્ર  અને શાળામાં ભણાવે તો નોટિસ આવું કેમ ?* 

*શાળામાં બાળકને કોરોના થઈ જાય અને શેરીમાં ભણાવીએ તો ના થાય ?* 

આ પ્રશ્ન શિક્ષણ સાથે જોડાયેલા ઘણા મિત્રોને પણ છે. શેરીમાં શિક્ષકો બાળકોને ભણાવે છે, તેના ઘણા વિડિયો, ફોટા સોશિયલ મીડિયા પર તમે જોયા હશે. કેટલીયે જગ્યાએ જાહેરમાં તેમના શેરી શિક્ષણની પ્રશંસા પણ કરવામાં આવી છે.

*શેરીઓ કરતાં પણ શાળાઓ જોડે વિશાળ પ્રાંગણ છે, ખુલ્લા બાગ બગીચા છે, પૂરતાં વૃક્ષો છે, હાથપગ સાફ કરી સ્વચ્છ રહી શકાય તે માટેના હેલ્થ કોર્નર છે. આવી શાળાઓમાં કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરીને   શિક્ષણકાર્ય કેમ ના થઈ શકે ?* 

ગુજરાતીમાં એક કહેવત છે કે *'સાપ મરે પણ નહીં અને લાઠી તૂટે પણ નહીં'* 

*'કોરોના સામે બાળકોને કોઈ શારીરિક હાનિ પણ ના થાય અને બાળકોનું શિક્ષણ પણ ના બગડે'* તેવો રસ્તો વિચારવો જોઈએ.

*Online શિક્ષણ એ સફળ ઉપાય નથી, તેમ કહેવું જરાય અનુચિત નથી.* Online શિક્ષણ શિક્ષકની જગ્યા ક્યારેય લઈ શકવાનું નથી. Online તાલીમો પણ રુચિકર  બનતી નથી.

પ્રત્યક્ષ તાલીમો માટે DIET,  R.P., K.R.P., M.T., B.R.C.,B.R.P., C.R.C., S.I.,S.R.G.,C.R.G અને એ સિવાય જે તે વિષયના તજજ્ઞોની વ્યવસ્થા કરવામાં આવી છે. 

આપણે સૌ જાણીએ છીએ કે ઓફલાઇન તાલીમો યોજાતી ત્યારે આટલી બધી ટીમ તાલીમ આપનાર હોવા છતાં ક્યાંક આખો દિવસ ઓનલાઇન તાલીમો ચાલતી હતી.  સતત ચાલતી online તાલીમ નિરસ બની જતી હતી. તાલીમ આપનાર તાલીમ લેનારના મનોભાવનો અભ્યાસ કરી, એક સેતુ બનાવી પોતાની વાતમાં જરૂરી ફેરફાર કરી વાતને મૂકે છે ત્યારે તેની અસર ચિરદાયી બનતી હોય છે.

offline તાલીમ આપનારી ટીમને બાજુમાં રાખી જ્યારે તમે તમારા હાથમાં સુકાન લઈ લો છો ત્યારે તમને નીચેની ટીમના કામ પર પૂરતો વિશ્વાસ નથી તેમ કહી શકાય.

 વેબીનાર પણ એટલા  સફળ પુરવાર થવાના નથી. હા, આ એક ટેમ્પરરી વિકલ્પ છે, પણ *face to face education જ બેસ્ટ છે, તે નિર્વિવાદ છે.* 

આનો શ્રેષ્ઠ ઉપાય શું ?

કોરોનાની બીજી વેવ ભયંકર સાબિત થઈ છે, કોરોનાના કારણે ન પુરી શકાય તેવું નુકસાન થયું છે.

આવી ખરાબ પરિસ્થિતિમાં પણ સરકારશ્રીએ સંપૂર્ણ લોકડાઉનના હથિયારનો ઉપયોગ કર્યો નથી. આંશિક લોકડાઉન કરવામાં આવ્યું છે. જે સોસાયટીમાં કોરોના છે, તેટલા જ વિસ્તારને કન્ટેન્ટમેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવે છે. સોસાયટીમાં પણ જે ઘરે કોરોનાના દર્દી છે તે ઘરને જ કોરોન્ટાઇન કરવામાં આવે છે. 

કોરોનાની પરિસ્થિતિમાં દરેક ગામમાં ખેતીનું કામ સરસ અને સલામત રીતે પૂર્ણ થયું છે.

કોરોનાની પરિસ્થિતિમાં નાના મોટા ધંધા રોજગાર ચાલતા રહ્યા છે.

કોરોનાની પરિસ્થિતિમાં ઉદ્ઘાટન, વિમોચન ચાલતાં રહ્યાં છે.

કોરોનાની પરિસ્થિતિમાં ઓફિસોના કામ ચાલતાં રહ્યાં છે.

કોરોનાની પરિસ્થિતિમાં આવશ્યક સેવાઓ ચાલતી રહી છે.

કોરોનાની પરિસ્થિતિમાં ચૂંટણીઓ અને લાખોની જનમેદનીવાળી સભાઓ યોજાતી રહી છે.

કોરોનાની ગાઈડલાઈનનો સહારો લઈને  ઘણાં ધાર્મિક, સામાજિક અને રાજકીય મેળાવડાઓ થતા રહ્યા છે.

કોરોનાના સમયમાં બજારમાં અને રસ્તાઓ પર એટલી જ ભીડ જોવા મળે છે.

દરેક ગામની બધી કચેરીઓ ચાલુ છે, ગામના તમામ લોકો પોતાના કામો કરી રહ્યા છે.

*દરેક વ્યક્તિએ કોરોનાની પરિસ્થિતિમાં સલામત રસ્તો શોધી પોતાના ધંધા રોજગાર ચાલુ રાખ્યા છે, ફક્ત છેલ્લા સોળ માસથી શાળાઓ બાળકો વગરની સુમસામ છે. શાળાઓમાં બાળકોની હાજરી નથી, ત્યાં સંપૂર્ણ લોકડાઉન જોવા મળે છે.* 

*બાળકો અને શિક્ષકોના જીવનથી મોટી કોઈ ચીજ નથી.* 

કોરોનાની ગાઈડલાઈનનું સંપૂર્ણ અમલીકરણ કરીને *કોરોના સામે બાળકોનું રક્ષણ પણ થાય અને બાળકોનું શિક્ષણ પણ થાય તેવો રસ્તો વિચારવો જોઈએ.* 

સમગ્ર ગુજરાતની પાંત્રીસ હજાર શાળાઓની એક સમાન પરિસ્થિતિ નથી. *ઘણી જગ્યાએ  दो गजकी दूरी ની જગ્યાએ  दश गजकी दूरी રાખી શકાય તેવી વિશાળ જગ્યાઓ છે. તો એક જ પ્રકારનો નિર્ણય બધી જગ્યાઓ માટે શા માટે ?* 

ગામે ગામની પરિસ્થિતિ અલગ અલગ છે. 

*કાંઈ થઈ જાય તો તેની જવાબદારી કોની ?* 

*પ્રશ્ન તો એ પણ છે કે સવા વર્ષથી બાળકોનું શિક્ષણ બગડ્યું છે,તેની જવાબદારી કોની ?*

શિક્ષણમાં સુધારો થાય, સફળતા મળે ત્યારે તેનો યશ લેવા, ફોટા પડાવવા, નામ છપાવવા માટેની જેટલી તૈયારી છે, તેટલી તૈયારી જવાબદારી લેવા માટેની પણ હોવી જોઈએ. 

*કોઈ પણ કામ માટેના નિર્ણયો જેટલા સારા, સમજણવાળા, પારદર્શક, પૂર્વગ્રહ વગરના, પરિપક્વ તેટલો તે કામનો સિધ્ધીઆંક ઊંચો રહેવાનો.* 

શિક્ષણમાં આજે ઘણા નિર્ણયો લેવાય છે અને થોડા દિવસમાં જ તેમાં U ટર્ન આપણે જોઈએ છીએ. એનો અર્થ એ થાય કે તે નિર્ણય અપરિપક્વ હતો.

*આપણા ત્યાં દરેક ક્ષેત્રમાં સલાહકાર સમિતિ Advisory Committee હોય છે. જેમ diet માં PAC હોય છે. ઘણી સમિતિઓને કાયદાનું સ્વરૂપ મળેલ હોય છે, આ સમિતિના સભ્યો સાથે મળી ચર્ચા કરી યોગ્ય નિર્ણય લેતા હોય છે.*

આવી કમિટીના સભ્યોની પસંદગીમાં કમિટીની રચના કરનાર ક્યાંક પોતાને ગમતા સભ્યોની પસંદગી કરતા હોય છે. 

સરકાર પક્ષે પણ દરેક ક્ષેત્રની મોટી કમિટી કે બોર્ડના સભ્યોની પસંદગી કરવાની હોય ત્યારે ક્યાંક જે તે વિષયના વિષય નિષ્ણાતની જગ્યાએ પાર્ટીને વફાદાર કે હા જી હા કરનાર લોકોને મુકવામાં આવતા હોય છે. જેના કારણે નિર્ણયો યોગ્ય થતા નથી. *આમ નિર્ણય સર્વસહમતીનો, નિર્ણય કમિટીનો ગણાય પણ વાસ્તવમાં નિર્ણય કમિટી બનાવનારાનો જ હોય છે.* 

આવી સમિતિઓ ફક્ત Tea Party પૂરતી સીમિત થઈ જતી હોય છે. 

જેના કારણે નિર્ણયો અપરિપક્વ થતા હોય છે અને છેવટે તેનું પરિણામ ઉપભોક્તાને થતું હોય છે અને તેની જવાબદારી કોઈ લેવા તૈયાર થતું નથી. *કોઈપણ સમિતિમાં સભ્યોની પસંદગી બહુ જ અગત્યની બાબત છે.* જે તે વિષયના તજજ્ઞ, પ્રામાણિકપણે કામ કરી ચૂકેલા વ્યક્તિઓમાંથી સભ્યો પસંદ કરવા જોઈએ, બીજું સમિતિનું વાતાવરણ બિલકુલ નિર્ભયતાપૂર્ણ હોવું જોઈએ, તો જ સારા અને સાચા સૂચનો પ્રાપ્ત થશે.

શિક્ષણના માળખામાં ઘણા ફેરફારો થાય છે. દા.ત. ધોરણ 11,12 માં સેમ સિસ્ટમ બંધ કરી, તો ચાલુ કરવાનો નિર્ણય કોણે લીધો હતો, તે સમિતિના નામો જાહેર કરીને શા કારણે સેમ સિસ્ટમ હતી અને શા કારણે રદ કરી તેના વાજબી કારણો, સંશોધનના તારણો લોકો સમક્ષ મુકવા જોઈએ. *આજના શિક્ષણથી આપણને સંતોષ ના હોય તો તેના માટે ફક્ત  બાળક, વાલી કે શિક્ષક, આચાર્યને જવાબદાર ઠેરવી શકાય નહીં,  શિક્ષણના નીતિવિષયક નિર્ણયો જેણે લીધા છે તેમને પણ જવાબદાર ઠેરવવા જોઈએ.* 

જેમ રોડ પર એક બ્રિજ બાંધવામાં આવે છે અને તે બ્રિજ તૂટી પડે તો તે કોન્ટ્રાકટર અને તેની સાથે જોડાયેલ સુપરવાઈઝર ટિમ જવાબદાર ગણાય છે, તેમ શિક્ષણ માટે પણ કોઈપણ નિર્ણય લેનારનું નામ જાહેર કરવું જોઈએ અને તે નિર્ણયથી સફળતા મળે તો તેમની પ્રશંશા કરવી જોઈએ અને નિર્ણય અયોગ્ય સાબિત થાય તો જે તે નિર્ણય લેનાર સામે યોગ્ય પગલાં લેવા જોઈએ. 

*વારે વારે અધકચરા નિર્ણયો લઈ બાળકોના ભાવિ સાથે ચેડાં કરવાની સત્તા કોઈને આપી શકાય નહીં.*


*💥આગામી વર્ષનું શૈક્ષણિક કામ શરૂ કરવા અંગે મારું એક નમ્ર સૂચન છે.* 

દરેક ગામમાં કોરોના નથી, દરેક જગ્યાએ સરખી પરિસ્થિતિ નથી ત્યારે જ્યાં પરિસ્થિતિ સલામત હોય ત્યાં શિક્ષણની શરૂઆત કરવી જોઈએ. વીસ વિધાર્થીઓની સંખ્યા કરતાં પણ ઘણી ઓછી સંખ્યાવાળી શાળાઓ હશે.

 *અલગ અલગ પરિસ્થિતિમાં પરિસ્થિતિ સુરક્ષિત છે કે નહીં તે કેવી રીતે નક્કી કરવું ?* 

દરેક પ્રાથમિક શાળાઓમાં સંસદમાં પસાર થયેલ RTEA  અંતર્ગત શાળાના સફળ સંચાલન માટે SMC - સ્કૂલ મેનેજમેન્ટ કમિટીની રચના કરવામાં આવેલી છે. 

*નિર્ણયો લેવાની સત્તાના કેન્દ્રીકરણમાંથી બહાર આવીને નિર્ણયો લેવાની સત્તાનું વિકેન્દ્રીકરણ કરવું જોઈએ .* 

માન.મોદી સાહેબ પણ *vocal for local* નો આગ્રહ રાખે છે. બાળકોના શિક્ષણ માટેના નિર્ણયોમાં પણ local અવાજને અસરકારક બનાવવો જોઇએ. જો એક જ જગ્યાએથી નિર્ણય લેવાના હોય તો તેના પરિણામોની જવાબદારી પણ એક જ જગ્યાના લોકોએ પોતાના શિરે લેવી જોઈએ. નવી શિક્ષણ નીતિ 2021 માં  જે તે સંસ્થાઓને ઘણી liberty આપવામાં આવી છે. દરેક જગ્યાએ  કેન્દ્રીકરણની જગ્યાએ વિકેન્દ્રીકરણ કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે,  પ્રાથમિક શિક્ષણને બગડતું રોકવા જે તે શાળાની SMC ને વાલી અને સ્થાનિક સંસ્થાઓને  સાથે રાખીને યીગ્ય નિર્ણય કરવાની સત્તા આપવી જોઈએ.

શ્રેષ્ઠ SMC ની આપણે પ્રસંશા કરીએ છીએ પણ આવી સમિતિઓને પોતાના ગામની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને સો ટકા સલામતી હોય ત્યાં  શિક્ષણ કાર્ય શરૂ કરવાના નિર્ણય લેવાની સત્તા આપણે આપી શક્યા નથી. 

*એક શહેરના ગીચ વિસ્તારમાં આવેલી શાળા અને ખેતરના શેઢે સીમવિસ્તારમાં આવેલી શાળાનો એક જ પ્રકારનો નિર્ણય ઉચિત ગણી શકાય નહીં.* 

જ્યાં વધુ ગીચતા છે, જે વિસ્તારમાં કોરોના છે, જ્યાં શહેરી વિસ્તાર છે ત્યાંનું આયોજન જુદી રીતે વિચારી શકાય .  

*કોરોનાની પરિસ્થિતિમાં  શાળાની સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં લઈને કોરનાથી બાળકોનું રક્ષણ થાય તે રીતે ગામના લોકો, વાલીઓને વિશ્વાસમાં લઈને, ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને સાથે રાખીને, ત્યાંના crc સાથે મળીને શિક્ષણની વ્યવસ્થા ગોઠવી શકાય.* 

*કોરોનાથી સંપૂર્ણ રક્ષણ થાય અને આ પરિસ્થિતિમાં શિક્ષણ પણ ના બગડે તેવી એક ગાઈડલાઈન સરકાર પક્ષે તૈયાર કરવી જોઈએ. જરૂર પડે તો smc, વાલીઓ, શિક્ષક સ્ટાફ, phc ના સ્ટાફને બે ત્રણ કલાક કોરોના expert દ્વારા  online માર્ગદર્શન આપી શકાય.* 

હું એક સાથે શાળાના તમામ બાળકોને બોલાવીને શાળા શરૂ  કરવાના પક્ષમાં નથી પણ એક વર્ગ કે એક બેઠકમાં દશ જ બાળકો અને દિવસમાં બે જ કલાક બોલાવી પૂરતી શિસ્ત સાથે શાળા શરૂ કરવા માટે નીચેના સૂચનો છે.

વિસ્તાર, જગ્યા, ઓરડાને ધ્યાનમાં રાખી દરરોજ વર્ગદીઠ દશ બાળકો સવારના સમયમાં બે કલાક માટે બોલાવવામાં આવે અને મોટી રિશેષ પછી વર્ગ દીઠ બીજા દશ બાળકોને બોલાવવામાં આવે, કોચિંગ ક્લાસની માફક, આમ એક દિવસમાં વીસ બાળકોને પ્રત્યક્ષ શિક્ષણ આપી શકાય. 

વર્ગની સંખ્યા પ્રમાણે બાકીના બાળકો રોટેશનમાં બીજા, ત્રીજા દિવસે  બોલાવવા જોઈએ, જરૂર પડે તો ગામની મોટા મેદાનવાળી  સ્વચ્છ હોય તેવી જાહેર જગ્યાનો ઉપયોગ પણ કરી શકાય. 

આ સમય દરમિયાન માસ્ક, સેનીટાઈઝરનો ઉપયોગ થાય, બે ગજ નહીં પણ ચાર ગજનું અંતર રાખી બેઠક વ્યવસ્થા કરી શકાય, શાળા પ્રવેશ સમયે બાળકોનું તાપમાન માપી શકાય, જરૂર પડે ત્યાં અમુક સમયના અંતરે કોરોનાના ટેસ્ટ કરાવી લેવાય. વાલીઓની લેખિતમાં સંમતિ લઈ શકાય. જરૂર પડે શાળાના સમયમાં ફેરફાર, જ્યાં થોડી પણ અસલામતી લાગે ત્યાં કાચબાની માફક પગ ખેંચી રોકાઈ જવું જોઈએ. જે શિક્ષક ના આવે તે વર્ગના બાળકોને રજા રાખવી જોઈએ, સમૂહ પ્રાર્થના કે અન્ય કોઈ રીતે સમૂહ કાર્યક્રમ ટાળવા જોઈએ. શાળાના આઠ ઓરડા હોય તો ચાર ધોરણના દશ દશ બાળકો વર્ગમાં બેસશે અને ચાર વર્ગના બાળકો બહાર ઝાડ નીચે લોબીમાં ખૂબ અંતર જાળવી બેસાડી શકાય. બપોર પછી જે ઓરડામાં બાળકો બેઠા હોય તેને સનેટાઇઝ કરી બંધ રાખવા અને તે ચાર શિક્ષકોના બાળકો બહાર બેસાડવા અને બહાર બેઠેલા શિક્ષકો પોતાના દશ બાળકો સાથે પોતાના વર્ગખંડમાં બેસી શકે. છતાંયે સ્થળ પરની પરિસ્થિતિ અને કોરોના ન થાય તેની કાળજી માટે આયોજનમાં ફેરફાર કરવાનું કામ SMC ને જ સોંપવું જોઈએ. ઉપલા લેવલેથી ફક્ત માર્ગદર્શન આપવું જોઈએ.

*આ માટે SMC ને સક્ષમ બનાવવી જોઈએ, જરૂર પડે ત્યાં  સક્રિય, તટસ્થ અને તજજ્ઞ સભ્યોને સમાવી SMC ની પુન: રચના કરવી જોઈએ.* 

SMC અને શાળાના શિક્ષકમિત્રો અને વાલીઓના વિશ્વાસ પર આગળ વધીશું તો જ આગામી સમયનું ઘણું શિક્ષણ બચાવી શકાશે...

*હવે કોઈ તાલીમો કે કોઈ પણ શૈક્ષણિક કાર્યક્રમો ન યોજતાં ફક્ત વર્ગશિક્ષણ પર જોક આપવો જોઈએ.* 

ફક્ત એક પક્ષે જવાબદારી આપીને છૂટી શકાય નહીં. 

કોરોનાની ગાઈડલાઈનનું સંપૂર્ણ અમલીકરણ થાય તે માટે બાકીના તમામ કામ બંધ કરીને જે તે શાળા વિસ્તારના crc, brc, કેળવણી નિરીક્ષક, અને ph.c. ના સ્ટાફ જોડે શાળાના કામને disturb ના થાય તેનું ધ્યાન રાખીને સઘન મોનીટરીંગ કરાવવું જોઈએ.કોરોનાની ગાઈડલાઈનનું સંપૂર્ણ અમલ કરાવવાની જવાબદારી સોંપવી જોઈએ.

ગુજરાતના લાખો બાળકોના હિતમાં એક નમ્ર સૂચન કરવાના ભાવ સાથે..


આવા ઘણા સૂચનો મેળવી યોગ્ય રસ્તો વિચારવો જોઈએ.

આપનો સ્નેહાધીન. 

 ડૉ. જી.એન.ચૌધરી 

કોરોના કાળમાં બાળકોનું રક્ષણ અને બાળકોનું શિક્ષણ Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR